ધ્યાનીધામ

ધ્યાનીધામએ સુક્ષ્મ પ્રયોગ છે. ગુરુશક્તિ, નર્મદાજીની શક્તિ અને શ્રીયંત્ર દ્વારા અવતરીત ર્કાસ્મીક શક્તિના ત્રિવેણી સંગમમાં આવી અનુભૂતિ કરવાથી આપણી અંદર રહેલી ઈડા, પિંગલા અને સુષુમ્ણા દ્વારા રચાતા પ્રયાગની દિવ્યશક્તિ જાગ્રત થાય છે. પ.પૂ. શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા કે પાણી સર્વત્ર વ્યાપક છે પરંતુ જ્યારે તરસ લાગે ત્યારે આપણે કુવો ખોદવા બેસતા નથી. આપણે કુવા, નદી કે તળાવના કિનારે જતા રહીએ છીએ. તેવી રીતે પરમાત્મા સર્વત્ર છે. પરંતુ સંતો તેમની પ્રાણશક્તિથી આ શક્તિને વિશેષરૂપે કેન્દ્રીત કરીને આશ્રમ, મંદિર બનાવે છે કે જેનાથી આવનારને અપાર શાંતિ અને દિવ્યતાનો અનુભવ થાય. આવી દિવ્ય જગા પર સાધના કરનારને ખૂબ જ ઝડપથી સાધના જનીત ફળ મળે છે. જેમ આંબાની ગોટલી વાવી તેના ફળની આશા રાખતાં દસથી વધારે વર્ષની રાહ જોવી પડે છે. પરંતુ આંબાની ડાળની કલમ રોપવાથી બે વર્ષના ગાળામાં ફળ આવવા લાગે છે કારણ તે ડાળ આંબાની પરિપક્વતા લઈને જ આવે છે. તેમ સંતો તેમની પ્રાણશક્તિ સાધકોમાં રેડી કલમની ડાળની જેમ દિવ્યતાનું પ્રત્યારોપણ કરે છે. અહીં અનુભવ શબ્દાતીત છે માટે અહીં આવનાર દરેક આ દિવ્ય પ્રયાગમાં અડધો કલાક આંખ બંધ રાખી બેસે તો અનુભૂતી તેના દરેક પ્રશ્નોનું સમાધાન કરશે. ગુરુદેવ શક્તિપાત દ્વારા કુંડલિની શક્તિની જાગૃતિ કરતા, તે જ કાર્ય પ.પૂ. શ્રી આનંદીમા કરી રહ્યા છે જેનાથી આત્મકલ્યાણના માર્ગના પ્રવાસીનું મોટા ભાગનું કાર્ય પૂરું થઈ જાય છે ફકત નિયમીત ધ્યાન અને મંત્રજાપ કરનારને ગુરુશક્તિ અંતિમધ્યેય સુધી પહોંચાડે છે જ. “આવો બેસો અને અનુભવો.“