આપણી ગુરુપરંપરા

Shri Dhyanyogi Madhusudandasji

“પ.પૂ. શ્રી ધ્યાનયોગીજીના સંપર્કમાં આવેલા હજારો લોકોનું તેમના સરળ, નિ:સ્પૃહ પ્રેમ અને માનવજાતના કલ્યાણ માટેની ભક્તિજોઈને હૃદય અને જીવન પરિવર્તન થયું“

પ.પૂ. શ્રી ધ્યાનયોગી મધુસુદનદાસજી એક મહાન સંત હતા કે જેમની આધ્યાત્મિક પ્રકાશ માટેની શોધ તેમને ભારતમાં અસ્તિત્ત્વ ના હોય તેવા બીજા યુગમાં લઈ ગયા. ૧૮૯૦ અને ૧૯૦૦ની સાલના શરૂઆતના વર્ષોમાં તેઓ ઉઘાડા પગે આખા ભારતમાં ફર્યા, અને જગતથી અલિપ્ત થઈને એકાંતમાં રહ્યાં.

બિહારમાં જન્મેલા પ.પૂ. શ્રી ધ્યાનયોગીજી એક ખૂબ જ આધ્યાત્મિક બાળક હતા. સાત વર્ષની ઉંમરથી ભગવાનની શોધ માટે થઈને તેમણે ઘર છોડ્યું અને આ રીતે આધ્યાત્મિકતા અંગેની તેમની શોધ શરૂ થઈ. જોકે નજીવા સમયમાં તેમના માતા-પિતાએ તેમને શોધી કાઢ્યા અને ૧૩ વર્ષની ઉંમરે ફરીથી તેમણે ઘર છોડ્યું.

સંતો અને યોગીઓ પાસેથી તેઓ એ જ્ઞાન મેળવ્યું અને ૩૦ વર્ષ સુધી સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું. મંત્રયોગ, યંત્રયોગ, હઠયોગ, રાજયોગ અને જ્ઞાનયોગમાં નિપુણ થયા બાદ તેઓ યોગ આધારિત તત્ત્વજ્ઞાન અને ધર્મશાસ્ત્રના નિષ્ણાત બન્યા. ૩૦ વર્ષની સતત કઠોર સાધના અને ઉત્કટ શોધ છતાં ભગવાન સાથેના મેળાપનું તેમનું ઉચ્ચતમ લક્ષ્ય તેઓ મેળવી શક્યા ન હતા. આખરે ૧૯૨૧માં માઉન્ટ આબુમાં તેઓ તેમના મહાન ગુરુદેવ પ.પૂ. શ્રી યોગીરાજ પરમેશ્વરદાસજીના સંપર્કમાં આવ્યા જેમણે તેમને શક્તિપાતની દીક્ષા આપી. તે પ્રાપ્ત થતાં તુરંત જ તેઓ સમાધિની ઉચ્ચતમ કોટીએ પહોંચ્યા અને તેમના અંતિમ લક્ષ્ય પરમ પિતા પરમેશ્વરનો મેળાપ પ્રાપ્ત કર્યો. તેઓ આ સ્થિતિમાં સતત ત્રણ દિવસ સુધી રહ્યા.

પ.પૂ. શ્રી ધ્યાનયોગીજી એક અનુપમ વ્યક્તિ હતા. તેમની પોતાની શોધ અને વધુ સ્પષ્ટ રીતે કહીએ તો પ.પૂ. શ્રી પરમેશ્વરદાસજીની કૃપાદૃષ્ટિ અને માર્ગદર્શનને કારણે સુષુપ્ત અવસ્થામાંથી કુંડલિની શક્તિ જાગૃત કરી શકવાની શક્તિ સાથે તેઓ કુંડલિની મહા યોગના નિષ્ણાત બન્યા.

ઘણાં વર્ષો સુધી તેઓ ભારતના ગુજરાતમાં આવેલા બંધવડના એક નાના મંદિરમાં રહ્યાં, જ્યાં તેમણે તેમના શિક્ષણ અને કાર્યને આગળ વધાર્યું. ૧૯૬૦માં તેઓ કુંડલિની મહા યોગ અને સમૂહ ધ્યાન અંગેના કાર્યક્રમો સમગ્ર ભારતમાં આપવા માટે પ્રેરિત થયા. આમ કરતાં પ.પૂ. શ્રી ધ્યાનયોગીજી હજારો વર્ષોના ઇતિહાસમાં સૌપ્રથમ એવા ગુરુ બન્યા કે જેમણે મનુષ્યની ચેતનાને આટલા મોટા પાયા પર જાગૃત કરવાનું કામ જાહેર જનસમાજમાં કર્યું.

સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક જાગૃતિના ભાગરૂપે તેઓ ૧૯૭૬માં અમેરિકા આવ્યા. અહીંના ચાર વર્ષના વસવાટ દરમ્યાન તેમણે દરિયાના આ છેડાથી પેલા છેડા સુધીનું એક સ્થાનિક જૂથ વિકસાવ્યું અને કુંડલિની મહા યોગમાં હજારો લોકોને પ્રવેશ આપ્યો. તેઓ ૧૯૮૦માં ભારત પરત ફર્યા અને બાકીના વર્ષો તેમણે અમદાવાદમાં આવેલા તેમના નિવાસ્થાને વ્યતીત કર્યા. ૧૯૯૪ની ૨૯ ઑગષ્ટના રોજ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિને ૧૧૬ વર્ષના પ.પૂ. શ્રી ધ્યાનયોગીજી ચેતન અવસ્થામાં મહાસમાધિમાં દાખલ થયા અને ધીરે ધીરે તેમણે તેમનું શરીર છોડ્યું.

એમના સંપર્કમાં આવેલા હજારો લોકોનું તેમના સરળ, નિ:સ્પૃહ પ્રેમ અને માનવજાતના કલ્યાણ માટેની ભક્તિ જોઈને હૃદય અને જીવન પરિવર્તન થયું. આજે પણ તેમની આધ્યાત્મિક શક્તિ તેમના આધ્યાત્મિક વારસ પ.પૂ. શ્રી આનંદીમાના માધ્યમથી અવર્ણનીય રીતે કાર્ય કરે છે.

Shri Anandi Ma

પ.પૂ. શ્રી ધ્યાનયોગીજી કહે છે કે આટલી નાની ઉંમરમાં આટલી બધી આધ્યાત્મિક શક્તિ મેળવનાર વ્યક્તિઓમાંના એક પ.પૂ. શ્રી આનંદીમા છે.

પ.પૂ. શ્રી આનંદીમા પ.પૂ. શ્રી ધ્યાનયોગીજીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી છે અને જેઓ પહેલાં આશા મા અથવા આશાદેવી તરીકે જાણીતા હતા. ૧૯૯૩ના જાન્યુઆરી માસમાં પ.પૂ. શ્રી ધ્યાનયોગીજીએ તેમને આનંદીમાનું આધ્યાત્મિક નામ આપ્યું જેનો અર્થ થાય છે કે, “ એવી વ્યક્તિ કે જે હંમેશા પૂર્ણ આનંદમાં હોય છે અને બીજાને પણ આનંદમાં રાખે છે.” તેમના શરૂઆતના વર્ષો આધ્યાત્મિક અભ્યાસ અને શક્તિપૂર્ણ વાતાવરણમાં ખૂબ જ શાંતિથી અને કોઈપણ મહત્ત્વપૂર્ણ બનાવ સિવાય પસાર થયા. ઈ.સ. ૧૯૭૨માં ૧૪ વર્ષની ઉંમરે તેઓ સ્વેચ્છાએ ધ્યાનના અતિ ઊંડાણવાળા સ્તરમાં દાખલ થયા. પ.પૂ. શ્રી આનંદીમા પોતાના શબ્દોમાં વર્ણવે છે કે "મેં એક લાખ સૂર્યનો પ્રકાશ એક સાથે જોયો,” અને તે જ સમયે માતૃદેવી સાથે તેમનો મેળાપ થયો.

પ.પૂ. શ્રી આનંદીમાના પિતાશ્રી પ.પૂ. શ્રી ધ્યાનયોગીજી પાસે ગયા અને તેમને કહ્યું કે તેઓ આવે, તેમને મળે અને જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડે. પ.પૂ. શ્રી ધ્યાનયોગીજી તેમની સાથે તેમના ઘરે ગયા અને તેમને ધ્યાનસમાધિમાંથી જગાડ્યા. પછીથી એ દિવસે પ.પૂ. શ્રી ધ્યાનયોગીજીએ તેમને માતૃદેવી અંગેનો તેમનો અનુભવ જણાવવા કહ્યું. તેમણે પ.પૂ. શ્રી આનંદીમાને પૂછ્યું કે શું તેમણે માતૃદેવીને કયા રૂપમાં જોયા છે - એક ચિત્રના રૂપમાં કે એક પ્રતિમાના રૂપમાં કે એક જીવંત વ્યક્તિ તરીકે. પ.પૂ. શ્રી આનંદીમાએ જવાબ આપ્યો કે, “જે રીતે મેં આપને હમણાં જોયા.” એ દિવસે પ.પૂ. શ્રી ધ્યાનયોગીજી એ જણાવ્યું કે આટલી નાની ઉંમરમાં આટલી બધી આધ્યાત્મિક શક્તિ મેળવનાર વ્યક્તિઓમાંના એક પ.પૂ. શ્રી આનંદીમા છે. શક્તિપાતની દીક્ષા પ્રાપ્ત કરીને કાયમ માટે પ.પૂ. શ્રી ધ્યાનયોગીજી સાથે રહેવા માટે માતાપિતાની સંમતિ મેળવીને પ.પૂ. શ્રી આનંદીમાએ થોડા જ સમયમાં તેમનું ઘર છોડ્યું.

પ.પૂ. શ્રી ધ્યાનયોગીજીએ તેમને પોતાના શરણમાં લીધા અને ખાસ કરીને શક્તિપાતની દીક્ષા આપતી વખતે માનવજાતના કલ્યાણમાટે પોતાની શક્તિને કેવી રીતે પ્રસારવી અને અંકુશમાં રાખવી તેની તાલીમ આપી. પ.પૂ. શ્રી ધ્યાનયોગીજીએ જણાવ્યું કે, "મારા ગુરુએ આ વંશાવલિની શક્તિ પ.પૂ. શ્રી આનંદીમાને સુપરત કરવા જણાવ્યું છે." અને તેમણે તેમની બધી મહત્ત્વની પ્રવૃતિઓ બાજુ ઉપર મૂકી અને સતત ચાર વર્ષ સુધી રાત દિવસ તેઓ પ.પૂ. શ્રી આનંદીમા જોડે જ કાર્યરત રહ્યા. આ સમયગાળા દરમ્યાન પ.પૂ. શ્રી આનંદીમા ધ્યાનના તલસ્પર્શી ઊંડાણ સુધી પહોંચ્યા અને આ અવસ્થામાં તેઓ દિવસોના દિવસો કે કલાકોના કલાક રહી શક્તા. ઈ.સ. ૧૯૭૬માં જ્યારે પ.પૂ. શ્રી ધ્યાનયોગીજી અમેરિકા આવ્યા ત્યારે શરૂઆતથી પ.પૂ. શ્રી આનંદીમા તેમની પડખે રહ્યા અને તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેઓ તેમની સાથે ગયા. ઈ.સ. ૧૯૮૦માં જ્યારે પ.પૂ. શ્રી ધ્યાનયોગીજી ભારત પરત ફર્યા ત્યારે તેમણે પ.પૂ. શ્રી આનંદીમા અને પ.પૂ. શ્રી દિલીપજીને લગ્ન કરી અને સાથે મળી આ કાર્યને આગળ વધારવાનું જણાવ્યું.

આજે પ.પૂ. શ્રી આનંદીમા અને પ.પૂ. શ્રી દિલીપજી સાથે મળીને ધ્યાન અને યોગ સાધનાના કાર્યક્રમો ભારત, અમેરિકા અને યુરોપના દેશોમાં અવિરતપણે કરે છે. તેઓ સનિષ્ઠ અભ્યાસુઓને આધ્યાત્મિક માર્ગદર્શન અને શક્તિપાતની દીક્ષા આપે છે. પ.પૂ. શ્રી ધ્યાનયોગીજીના આધ્યાત્મિક વારસ તરીકે તેઓ તેમના જીવનકાળ દરમ્યાન શરૂ કરવામાં આવેલા માનવજાતના કલ્યાણ માટેના કાર્યની જવાબદારી પણ ખૂબ સારી રીતે સમજે છે અને તેને ચાલુ રાખવા માટે પ્રવૃત પણ રહે છે. આમાં હૉસ્પિટલ શરૂ કરવી, આંખની સર્જરીના કેમ્પ માટે જરૂરી સહાય પૂરી પાડવી અને ગરીબોને અન્ન સહાય પૂરી પાડવી વગેરેનો સમાવેશ થાય છે. આ બધા કાર્યની સાથે તેઓ તેમના અતિ પ્રિય સદગુરુ પ.પૂ. શ્રી ધ્યાનયોગીજી મધુસુદનજી મહારાજના પ્રેમ અને તેમના પ્રકાશને લોકો સુધી પહોંચાડવા માટે પણ કાર્યરત રહે છે.

Dileepji

...કેટલાક અનુયાયીઓ જેઓ ભારતની મુલાકાતે આવ્યા હતા તેમણે પૂછ્યું, “પ.પૂ. શ્રી દિલીપજીના માધ્યમથી પ્રસારિત થતી શક્તિનો સ્રોત કયો છે?” ત્યારે પ.પૂ. શ્રી ધ્યાનયોગીજીએ માત્ર એક જ શબ્દમાં જવાબ આપ્યો કે મારો સ્રોત છે.

પ.પૂ. શ્રી આનંદીમાની જેમ પ.પૂ. શ્રી દિલીપજી તેમની સગીરાવસ્થામાંજ તેમના અનુયાયી બન્યા હતા. આશરે ૩૦ વર્ષ પહેલાં પ.પૂ. શ્રી ધ્યાનયોગીજીના સારા અનુયાયીઓમાંના એક એવા પ.પૂ. શ્રી દિલીપજીના પિતાજીએ તેમને જણાવ્યું કે, "મારે પાંચ છોકરાં છે હું તેમાંથી એક છોકરાને આ કાર્ય માટે તમને આપવા માંગું છું." ત્યારે પ.પૂ. શ્રી ધ્યાનયોગીજીએ જવાબ આપ્યો કે, “જ્યારે એ સમય આવશે ત્યારે હું દિલીપજીને માંગીશ.”

પ.પૂ. શ્રી ધ્યાનયોગીજીનો અગાધ પ્રેમ અને માણસાઈ પ્રત્યેની અનુકંપા પ.પૂ. શ્રી દિલીપજીને સ્પર્શી ગયા અને તેમને આ માર્ગ ઉપર લઈ આવ્યા. તેમના અભ્યાસકાળ દરમ્યાન, તેઓએ શક્ય હોય તેટલો બધો જ સમય પ.પૂ. શ્રી ધ્યાનયોગીજી સાથે પસાર કયો અને તેમની સાથે રહીને મોટા થયા તેમજ પ.પૂ. શ્રી ધ્યાનયોગીજીને તેમના પ્રવાસ દરમ્યાન સાથ આપ્યો અને પ.પૂ. શ્રી ધ્યાનયોગીજીના સ્વભાવ અને પ્રકૃતિને આત્મસાત કર્યા. પ.પૂ. શ્રી ધ્યાનયોગીજીના માર્ગદર્શન અને આશીર્વાદથી પ.પૂ. શ્રી દિલીપજી ઉચ્ચતમ આધ્યાત્મિક અભ્યાસ પ્રાપ્ત કરી શકયા અને ઘણી બધી યોગીક શાખાઓમાં પ્રવીણ બન્યા અને આ રીતે તેઓ પ.પૂ. શ્રી ધ્યાનયોગીજીના એક અગ્રીમ હરોળના અનુયાયી બન્યા.

ભારતમાં રાસાયણિક વિજ્ઞાન વિષયમાં બીએસસી થયા બાદ તેઓ ૧૯૭૪માં માઇક્રોબાયોલોજીમાં ડિગ્રી મેળવવા માટે અમેરિકા આવ્યા. તે વખતે પ.પૂ. શ્રી ધ્યાનયોગીજીએ તેમને કહ્યું કે, “તમે હમણાં જાઓ હું પછીથી આવીશ.”

૧૯૯૩માં પ.પૂ. શ્રી ધ્યાનયોગીજીએ તેમને પ.પૂ. શ્રી દિલીપજી તરીકેનું નવું નામ આપ્યું આ પહેલાં તેઓ દીપકજી તરીકે ઓળખાતા હતા, પ.પૂ. શ્રી દિલીપજીનો અર્થ થાય છે, “જે બધાના હૃદય જીતે છે તે.” એ જ વખતે તેમના કેટલાક અનુયાયીઓ જેઓ ભારતની મુલાકાતે આવ્યા હતા તેમણે પૂછ્યું, “પ.પૂ. શ્રી દિલીપજીના માધ્યમથી પ્રસારિત થતી શક્તિનો સ્રોત કયો છે?” ત્યારે પ.પૂ. શ્રી ધ્યાનયોગીજીએ માત્ર એક જ શબ્દમાં જવાબ આપ્યો કે મારો સ્રોત છે.